આજથી એટલે કે 23 જૂન 2026થી જૂનાગઢનું ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.ચોમાસાની ઋતુ અને વન્યજીવોના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત આગામી ચાર મહિના સુધી પ્રવાસીઓને જંગલ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ રહેશે.આ સમયગાળા દરમિયાન જંગલના ઇકોસિસ્ટમને ખલેલ ન પહોંચે અને વન્યજીવો સુરક્ષિત રીતે પ્રજનન કરી શકે તેવો મુખ્ય હેતુ રહેલો છે.
જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે
અભયારણ્ય બંધ હોવા છતાં પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક અગાઉની જેમ જ ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓ નિર્ધારિત સમયમાં વન્યજીવોને નિહાળી શકે છે.આ સાથે જ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.જેથી વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ કે ઈમરજન્સીના સમયે વન વિભાગ દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે.













