જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી વ્યાજખોરોના બેફામ આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને એક સરકારી કર્મચારીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા આ કર્મચારીએ વ્યાજખોરોના અસહ્ય દબાણના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
પૈસા ચૂકવ્યા છતાં વધુ નાણાંની પઠાણી ઉઘરાણી
પીડિત કર્મચારીએ ભૂતકાળમાં વ્યાજે રૂપિયા લીધા હતા, જેની વ્યાજ સહિતની તમામ રકમ તેમણે સમયસર ચૂકવી દીધી હતી. આમ છતાં, લાલચુ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ અવારનવાર વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરો દ્વારા અવારનવાર ઘરે આવીને કે ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી કંટાળીને કર્મચારીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.













