જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી રખડતા ઢોરના આતંકની એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. માંગરોળના શેરીયાજબારા બંદર વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધના કારણે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.


આખલાઓએ 4-5 લોકોને લીધા અડફેટે, મચી દોડધામ

શેરીયાજબારા બંદરે જ્યારે બે આખલાઓ હિંસક બનીને એકબીજા સાથે લડી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા સામાન્ય નાગરિકો આ યુદ્ધની ચપેટમાં આવી ગયા હતા. બેકાબૂ બનેલા આખલાઓએ ત્યાં હાજર ચારથી પાંચ લોકોને જોરદાર અડફેટે લેતા અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રખડતા આખલાઓના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ

આ કોઈ પહેલી ઘટના નથી, માંગરોળ અને તેના આસપાસના વિસ્તારોમાં રખડતા આખલાઓ અને ખુંટિયાઓનો આતંક દિવસબદિવસ વધી રહ્યો છે, જેનાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાહેર માર્ગો અને બજાર વચ્ચે થતા આખલા યુદ્ધના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો હવે વહીવટીતંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે આવા હિંસક ઢોરોને પકડીને તાત્કાલિક પાંજરાપોળ ભેગા કરવામાં આવે જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ન ગુમાવવો પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: