હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં આગામી 48 કલાક (બે દિવસ) દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાની ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને પગલે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

NDRF ની એક વિશેષ ટુકડી ડિપ્લોય 

ભારે વરસાદના કારણે વાત્રક, મજૂમ, અને મેશ્વો નદીઓના કેચમેન્ટમાં પાણીનો ભરાવો થવાની કે નીચાણવાળા ગ્રામીણ વિસ્તારો સંપર્કવિહોણા થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બચાવ દળ NDRF ની એક વિશેષ ટુકડીને અરવલ્લી ખાતે ડિપ્લોય કરી દેવામાં આવી છે.

30 જવાનોની ટુકડી ઈમરજન્સી મોડમાં

અરવલ્લી જિલ્લામાં તૈનાત કરવામાં આવેલી આ NDRF ની ટુકડીમાં 30 જેટલા તાલીમબદ્ધ જવાનોનો સમાવેશ થાય છે. આ ટીમ બોટ, લાઈફ જેકેટ, કટર્સ, અને વાયરલેસ કમ્યુનિકેશન જેવા અદ્યતન રાહત અને બચાવના સાધનો સાથે સજ્જ છે. ચોમાસા દરમિયાન ગ્રામીણ વિસ્તારો કે નીચાણવાળા કમાન્ડ એરિયામાં પાણી ભરાય તો ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી શકાય તે માટે આ ટીમને મુખ્ય મથક ખાતે સ્ટેન્ડબાય રખાઈ છે.

મહીસાગર અને સાબરકાંઠા પર પણ તંત્રની નજર

માત્ર અરવલ્લી જ નહીં, પરંતુ સરહદી જિલ્લાઓ એવા સાબરકાંઠા અને મહીસાગર માટે પણ NDRF ને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો આ જિલ્લાઓમાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાય તો નજીકના લોકેશન પરથી NDRF ની ટીમોને ત્વરિત કૂચ કરવાનો આદેશ અપાયો છે.અરવલ્લી જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તાલુકા કંટ્રોલ રૂમોને ચોવીસે કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક નાગરિકોને નદીના પટમાં ન જવા તથા વૃક્ષો કે વીજળીના થાંભલા નજીક ન ઊભા રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: ઉમરપાડામાં ધોધમાર વરસાદથી આમલી ડેમ ભરાયો, 3 ગેટ ખોલી નદીમાં 3309 ક્યુસેક પાણી છોડાયું