સુરત જિલ્લાના ડુંગરાળ અને વનરાજી ધરાવતા ઉમરપાડા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ઉમરપાડા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં અનરાધાર વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળા અને જળાશયોમાં પાણીના સ્તરમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.

નદી-નાળા અને જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો 

ઉમરપાડા પંથકની જીવાદોરી સમાન 'આમલી ડેમ' ના કેચમેન્ટ વિસ્તારમાંથી સતત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ડેમમાં હાલ 3099 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ રહી છે, જેના કારણે ડેમની વર્તમાન જળસપાટી 111.80 મીટરે પહોંચી ગઈ છે.

રૂલ લેવલ જાળવવા 3 ગેટ ખોલાયા

આમલી ડેમનું નિયત રૂલ લેવલ 113 મીટર છે, જ્યારે તેની ભયજનક સપાટી 115.80 મીટર નક્કી કરવામાં આવેલી છે. જળાશયમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી અને રૂલ લેવલ જાળવી રાખવાના ભાગરૂપે સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લઈને આમલી ડેમના કુલ 8 દરવાજામાંથી 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજાઓ મારફતે નદીમાં 3309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

માંડવી તાલુકાના 15 ગામો એલર્ટ પર

આમલી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ નીચાણવાળા વિસ્તારમાં આવેલા માંડવી તાલુકાના ૧૫ જેટલા કાંઠાના ગામોને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.સુરત જિલ્લા કલેક્ટર અને તાલુકા પ્રશાસન દ્વારા તમામ સંબંધિત તલાટીઓ અને સરપંચોને સ્થળ પર હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, પૂરના ધસમસતા પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, માછીમારો અને પશુપાલકો માટે નદી કાંઠે કે નદીના પટમાં જવા પર સખત પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: મેઘતાંડવમાંથી AMCએ લીધો પાઠ, શહરમાં ફરી જળબંબાકાર ન થાય તે માટે વહીવટી તંત્રનું આગોતરું આયોજન