હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની કડક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને કલેક્ટર પ્રશાસને આગોતરા પૂર નિયંત્રણ પ્લાન પર અમલીકરણ શરૂ કરી દીધું છે.ગત 23 જુલાઈએ પડેલા તોફાની વરસાદ દરમિયાન શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં ભારે જળબંબાકાર સર્જાયો હતો અને ડ્રેનેજ લાઈનો બેક મારતાં નીચાણવાળા માર્ગો જળમગ્ન થઈ ગયા હતા. તે ઘટનામાંથી પાઠ ભણીને આ વખતે તંત્રએ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું છે.

સાબરમતી નદી ખાલી કરાઈ

https://twitter.com/sandeshnews/status/2083057512019079559

વાસણા બેરેજે સપાટી 123 ફૂટ કરાઈ

ભારે વરસાદ આવે તે પૂર્વે જ સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખાલી કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વાસણા બેરેજ ખાતે પાણીનું સ્તર ઘટાડીને 123 ફૂટ સુધી લાવી દેવાયું છે. બેરેજના દરવાજા ખોલીને નદીમાં સંગ્રહાયેલું પાણી આગળ ધકેલી દેવાયું છે જેથી નદી પાત્રમાં મોટા પ્રમાણમાં કૅપેસિટી સ્પેસ (ખાલી જગ્યા) ઊભી થઈ શકે.

44 નાનાં-મોટાં તળાવોને ખાલી કરવાની કામગીરી

શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં આવેલા તમામ 44 નાનાં-મોટાં તળાવોને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ પડેલા વરસાદમાં વસ્ત્રાપુર, ચંદનખેડા, ગોતા, વટવા, નિકોલ, ઇસનપુર અને મકરબા જેવા તળાવો પૂરેપૂરા ભરાઈ જવાથી આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી જવાની અને તળાવના બેકવોટર મારવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ હતી. તે સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

વોટર લોગિંગ સ્પોટ્સનું પાણી ઝડપથી ઓસરશે

તંત્રના જણાવ્યા અનુસાર, જો શહેરમાં ટૂંકા સમયમાં મુશળધાર વરસાદ પડે તો મીઠાખળી અંડરપાસ, નિર્ણયનગર, અખબારનગર, સરખેજ તેમજ પૂર્વના વટવા, નિકોલ અને ઓઢવ જેવા મુખ્ય વોટર લોગિંગ સ્પોટ્સ પર પાણી ભરાઈ જાય છે. નદીમાં લેવલ ઓછું હોવાના કારણે શહેરની મુખ્ય કેચપિટ્સ અને આઉટલેટ્સ દ્વારા વરસાદી પાણી કોઈ પણ અવરોધ વિના સીધું સાબરમતી નદીમાં ઠાલવી શકાશે, જેનાથી શહેરમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાશે નહીં.

આ પણ વાંચો: Kheda: ઓરેન્જ એલર્ટ વચ્ચે નડિયાદ-ડાકોરમાં ધોધમાર વરસાદ, ડાકોર મંદિર બહાર ભરાયા પાણી