હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી કડક અગમચેતી મુજબ જ આજે વહેલી સવારથી સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર સવારી બોલાવી છે. હવામાન ખાતા દ્વારા આજે ખેડા જિલ્લા માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેની સચોટ અસર વહેલી સવારથી જ જોવા મળી છે.

 ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ

જિલ્લા મથક નડિયાદ શહેરમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. તીવ્ર પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે નડિયાદ શહેર તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ટૂંકા સમયમાં પડેલા તીવ્ર વરસાદી સ્પેલથી શહેરના માર્ગો અને નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિર બહાર પાણી ભરાયા

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. સતત પડેલા ધોધમાર વરસાદને કારણે ડાકોર મંદિરના મુખ્ય દ્વારની બહાર અને ગૌશાળા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આમ છતાં, ભક્તોની શ્રદ્ધા આગળ વરસાદ બોદો સાબિત થયો હતો. પાણી વચ્ચેથી રસ્તો કરીને પણ હજારો કૃષ્ણભક્તો ભગવાન રણછોડરાયજીની મંગળા આરતીના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં સમયસર પહોંચ્યા હતા.

ગ્રામ્ય પંથકમાં વરસાદી ધબધબાટી

માત્ર ડાકોર ટાઉન જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારો જેવા કે કાલસર, આગરવા, નેસ, ધુણાદરા, સુઈ, અને રામપુરા સહિતના સીમ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાના શરૂ થયા છે, જેનાથી ડાંગર સહિતના ચોમાસુ પાકને મોટો પ્રાણવાયુ મળ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Dang: જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ, મોડી રાતથી આહવા અને સાપુતારા સહિત સાર્વત્રિક ભારે વરસાદ