અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સમાજને નવી દિશા આપતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. મોડાસા જાયન્ટ્સ ગ્રુપના માર્ગદર્શન અને પ્રેરણાથી કચ્છી સમાજના 2 વડીલોના પરિવારજનો દ્વારા મરણોત્તર દેહદાન કરવાનો ભગીરથ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજમાં દેહદાન પ્રત્યે જાગરૂકતા વધશે.
ધોલવાણી અને ગણેશપુરા કંપાના વડીલોએ આપ્યું દેહદાન
મરણોત્તર દેહદાન કરનાર વડીલોમાં મોડાસાના ધોલવાણી કંપાના રહીશ મોઘીબેન પારસીયા અને ગણેશપુરા કંપાના અંબાલાલભાઈ પટેલનો સમાવેશ થાય છે. બંને સ્વર્ગસ્થ વડીલોની જીવતેજીવ અંતિમ ઈચ્છા હતી કે, તેમના મૃત્યુ બાદ પણ તેમનો દેહ સમાજ અને તબીબી ક્ષેત્રે ઉપયોગી બને. જે બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાનો આદર કરીને પૂર્ણ નિષ્ઠા સાથે દેહદાન કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો.
મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મળશે અમૂલ્ય સહાય
આજના આધુનિક યુગમાં મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ્સ અને પ્રેક્ટિકલ અભ્યાસ અર્થે માનવ દેહની ભારે જરૂરિયાત રહેતી હોય છે. આ બંને વડીલોના દેહદાનથી મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા ભાવી તબીબોને માનવ શરીરની રચના અને સંશોધનમાં અમૂલ્ય સહાય મળી રહેશે. મૃત્યુ પછી પણ કોઈના જીવન કે શિક્ષણ માટે ઉપયોગી બનવાની આ ભાવના ખરેખર બિરદાવવા યોગ્ય છે.
દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ સોંપાયા
બંને મૃતકોની અંતિમ વિધિ પૂર્વે તમામ જરૂરી કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આદરપૂર્વક બંને દેહને અભ્યાસ અર્થે દાહોદ ખાતે આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે લઈ જઈને કોલેજ ઓથોરિટીને સુપ્રત કરવામાં આવ્યા હતા.
મોડાસા જાયન્ટ્સ ગ્રુપે પરિવારજનોને આપ્યા અભિનંદન
દુઃખની આ ઘડીમાં પણ દિલ મોટું રાખીને સમાજ ઉપયોગી નિર્ણય લેવા બદલ મોડાસા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બંને મૃતકોના પરિવારજનોનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાજના અન્ય લોકો પણ આ પ્રેરણાદાયી કાર્યમાંથી શીખ લઈને દેહદાન અને અંગદાન ક્ષેત્રે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Aravalli News: મોડાસામાં રક્ષાબંધને મોડી રાત્રે કાચું મકાન ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત