અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સગર વાડા વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કાચું મકાન એકાએક ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ મોટો અકસ્માત હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી.

રક્ષાબંધન કરવા આવેલી બહેન અને ભાણેજ દુર્ઘટનામાં સપડાયા

મળતી માહિતી મુજબ, સગર વાડામાં રહેતા હર્ષદભાઈ ભાવસારના કાચા મકાનમાં આ ઘટના બની હતી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી તેમની બહેન પોતાના બાળકો સાથે ભાઈને રાખડી બાંધવા માટે ઘરે આવ્યા હતા. તહેવારના ઉત્સાહ વચ્ચે મોડી રાત્રે સમગ્ર પરિવાર ઊંઘી રહ્યો હતો, ત્યારે જ આ કરુણ ઘટના આકાર પામી હતી.

રાત્રે 12:30 વાગ્યે સ્લેબ સાથે નીચે પડ્યા લોકો

રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે મકાનનો સ્લેબ એકાએક કડાકા ભેર તૂટી પડ્યો હતો. મકાનના ઉપરના ભાગે ઊંઘી રહેલા બહેન અને ભાણેજ સહિત 4 વ્યક્તિઓ સ્લેબ ધરાશાયી થતાં સીધા નીચેના ભાગે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ઉપરના ચારેય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

નીચેના રૂમમાં ઊંઘી રહેલા 3 લોકો પર પડ્યો સ્લેબ

ઉપરનો સ્લેબ તૂટીને નીચે પડતાં જ નીચેના રૂમમાં ઊંઘી રહેલા અન્ય 3 વ્યક્તિઓ પણ મકાનના કાટમાળ અને સ્લેબ નીચે દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા. આમ, આ સમગ્ર ઘટનામાં કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો -  Aravalliમાં લાઇન રિપેરિંગ દરમિયાન વીજકર્મીને લાગ્યો હાઇવોલ્ટેજ કરંટ: એક જ અઠવાડિયામાં બીજો બનાવ