ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા અરવલ્લી જિલ્લામાંથી રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસુબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સરહદી વિસ્તારોમાં આવેલી રતનપુર અને ઝાંઝરી ચેકપોસ્ટ સહિતના તમામ સંવેદનશીલ માર્ગો પર 24 કલાક (રાઉન્ડ ધ ક્લોક) સઘન વાહન ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે.

રતનપુર અને ઝાંઝરી ચેકપોસ્ટ પર તપાસ

છેલ્લા 8 મહિનાના સમયગાળા દરમિયાન અરવલ્લી પોલીસે પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધ્યા છે, જેમાં દારૂનું મોટું કટિંગ અને હેરાફેરી થતી હોય તેવા 96 મોટા કેસોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અલગ-અલગ દરોડામાં રૂ. 28 કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને કુલ 4457 આરોપીઓ સામે ગુના નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે.

પોલીસે પ્રોહિબિશનના કુલ 4278 કેસ નોંધ્યા

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ગૃહ વિભાગની સૂચનાથી પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી રહી છે. જેના ભાગરૂપે અરવલ્લી પોલીસે પણ જિલ્લામાં દારૂના અડ્ડાઓ અને હેરાફેરી સામે ઝુંબેશ તેજ બનાવી છે.છેલ્લા 3 દિવસમાં પોલીસે સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 170 કેસ દાખલ કર્યા છે અને 38 જેટલા બુટલેગરો તથા કેરિયરોની ધરપકડ કરી છે.આ ત્રણ દિવસીય કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 2.87 લાખનો મુદ્દામાલ અને દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. બુટલેગરો નવા-નવા રસ્તાઓ કે ચોર માર્ગોનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય અને બોર્ડર વિસ્તારની ટીમોને એલર્ટ રાખી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.