ગાંધીનગરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ દરમિયાન સેક્ટર 16 વિસ્તારમાં આવેલી એક વડાપાઉની દુકાનમાંથી ઉંદર કાતરેલા પાંઉના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે કાર્યવાહી કરતાં દુકાનનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ઉંદર કાતરેલા પાંઉના પેકેટ 

તપાસ દરમિયાન સેક્ટર 16માં આવેલી ‘પટ્ટી વડાપાઉ’માં ખાદ્ય સામગ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ઉંદર કાતરેલા પાંઉના પેકેટ મળતાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નિયમોનું ઉલ્લંઘન જણાતા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

અન્ય ખાદ્ય પેઢીઓમાં પણ તપાસ દરમિયાન ગેરરીતિઓ 

આ ઉપરાંત ગાંધીનગરની અન્ય ખાદ્ય પેઢીઓમાં પણ તપાસ દરમિયાન ગેરરીતિઓ મળી આવી છે. ગ્વાલિયા ફૂડમાંથી એક્સ્પાયર્ડ જથ્થો મળી આવ્યો હોવાનું જણાવાયું છે. જેમાં ઝીણી સેવ અને ચવાણાં સહિતનો એક્સ્પાયર્ડ ખાદ્ય જથ્થો સામેલ હોવાનું સામે આવ્યું છે.

31 કિલોગ્રામ જેટલો જથ્થો નાશ કરાયો

તપાસ દરમિયાન અંદાજે રૂ. 10 હજારની કિંમતનો 31 કિલોગ્રામ જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ પેઢીઓમાંથી કુલ 10 નમૂના પૃથ્થકરણ માટે મોકલ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ બાદ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને નિયમોના પાલન અંગે વધુ સ્પષ્ટતા થશે. 



આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?