અરવલ્લી જિલ્લાના ધાર્મિક ધામ શામળાજી નજીક આવેલા આશ્રમ રોડ પર શીત કેન્દ્ર પાસે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શન કરીને પરત ફરી રહેલા એક યુવકની બાઇક અને એસટી બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક 28 વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે કાળ ભેટી ગયો

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક શામળાજી મંદિર ખાતે ભગવાનના દિવ્ય દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન શામળાજી આશ્રમ રોડ પરથી પસાર થઈ રહેલી પાદર મહુડી - ભિલોડા રૂટની બસની અડફેટે બાઇક આવી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, યુવક રસ્તા પર પટકાતાં જ તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈસરીના મઠ ગામના 28 વર્ષીય કિશનનું મોત

આ કાળમુખા અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ ઈસરી નજીક આવેલા મઠ ગામના રહેવાસી 28 વર્ષીય કલાસ્વા કિશન કનુભાઈ તરીકે થઈ છે. યુવાન વયના દીકરાના અચાનક અકસ્માતમાં અકાળે મોતથી તેમના પરિવાર અને સમગ્ર મઠ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Aravalli News: Shamlaji Road Accident, Biker Killed in Bus Collision

સ્થાનિકોના ટોળાં ઉમટ્યા, પોલીસે કાર્યવાહી હાથ ધરી

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં શામળાજી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને બસ ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: Aravalli: આદિજાતિ વિસ્તારના છાત્રોને ખાસ લાભ મળે તે માટે પુસ્તકાલય મહત્વની ભૂમિકા ભજવશે