અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં મહિલાની હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરની ખોજા શેરીમાં આવેલા રહેણાંક મકાનમાંથી 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ વિનોદભાઈ ગોહિલે પત્નીની હત્યા કરી હોવાની આશંકા સામે આવી છે. હત્યા બાદ પતિ અને પુત્ર ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
બે વર્ષથી ભાડાના મકાનમાં રહેતો પરિવાર
શારદાબેન ગોહિલ છેલ્લા બે વર્ષથી પરિવાર સાથે બાબરા શહેરની ખોજા શેરીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. પ્રાથમિક તપાસમાં મહિલાની લાકડાના ધોકા વડે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ભાઈને જાણ થતાં પોલીસ પહોંચી
મૃતક મહિલાના ભાઈ નરેશભાઈ ચૌહાણને આ અંગે જાણ થતાં તેમણે બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સંપર્ક ન થતાં તેમણે બાબરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ મકાન પર પહોંચી ત્યારે શારદાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પતિ અને પુત્રએ ઝેરી દવા પીધી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શારદાબેનના પતિ વિનોદભાઈ ગોહિલ અને તેમના પુત્રએ ધોલેરા તાલુકાના કાદીપુર ગામે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ હત્યા પાછળનું કારણ હોવાનું જણાઈ આવે છે.
હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ
આ મામલે બાબરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. શારદાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતા અને બાબરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’