વિશ્વ ઉમિયાધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ધાર્મિક માન્યતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવાની સલાહ આપતાં કહ્યું કે શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી. તેમણે હિંદુ ધર્મના પાલન માટે શિવ અને શક્તિની પૂજા કરવા તેમજ પૂર્વજોની પરંપરાને અનુસરવા પર ભાર મૂક્યો હતો.

‘શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી તે ભગવાન નથી’

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ નથી તે ભગવાન નથી. તેમણે કહ્યું કે મુંબઈના સિનેમા ઘરમાં જે બને છે તે ભગવાન નથી. તેમણે લોકોને નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.

‘હિંદુ ધર્મના પાલન માટે શિવ-શક્તિની પૂજા કરો’

શંકરાચાર્યએ હિંદુ ધર્મના અનુયાયીઓને શિવ અને શક્તિની પૂજા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણા બાપદાદા જેની પૂજા કરતા હતા તે જ ભગવાન છે. હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવની પૂજા કરવી જોઈએ તેવી પણ તેમણે વાત કરી હતી.

કોઇ પણ સંપ્રદાયનું નામ લીધા વિના ટિપ્પણી

વિશ્વ ઉમિયાધામ ખાતે આપેલા નિવેદનમાં શંકરાચાર્યએ કોઇ પણ સંપ્રદાયનું નામ લીધા વિના ધાર્મિક માન્યતાઓ અંગે ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનને લઈને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા થવાની શક્યતા છે.

વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું

વિશ્વ ઉમિયાધામની મુલાકાત દરમિયાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ શિલાપૂજન કર્યું હતું અને મા ઉમિયાનાં દર્શન કર્યા હતા. તેમણે નિર્માણાધીન ગર્ભગૃહની મુલાકાત લઈને વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું.

‘વિશ્વ ઉમિયાધામ સનાતન ધર્મનું પ્રતીક બનશે’

શંકરાચાર્યએ વિશ્વ ઉમિયાધામના પરિસરની ઊર્જાને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું પ્રતીક બનશે. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરના નિર્માણ કાર્ય અંગે પણ માહિતી મેળવી હતી. 


આ પણ વાંચો :   West Bengalનું નામ બદલાશે, 9 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ થશે