બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હડાદ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંસ્કૃતિ અને ગૌરવનો અદ્ભુત ઉત્સવ જોવા મળ્યો હતો. અંબાજી, દાંતા અને હડાદના મુખ્ય રાજમાર્ગો પર આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ પરંપરાગત સંગીત અને લોકનાચ સાથે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.

પરંપરાગત વેશભૂષા અને તીરકામઠા સાથે જનમેદની ઉમટી

આ ભવ્ય ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની ગૌરવવંતી એકતાના દર્શન થયા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. યુવાનો હાથમાં પરંપરાગત તીરકામઠા રાખીને ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. ઢોલ-નગારા અને ડીજેના તાલે ઝૂમતા યુવાનોની આ રેલી સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Banaskantha News: Grand World Tribal Day Celebrations in Danta, Ambaji and Hadad

ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી

રેલી દરમિયાન હડાદ ખાતે ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજે ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, જળ-જંગલ-જમીન માટેના બલિદાન અને ક્રાંતિકારી યોગદાનને ભાવપૂર્વક યાદ કરી નમન કર્યા હતા.

ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અગ્રણીઓની હાજરી

આ ઉજવણી પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આદિવાસી સમાજના અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી બાદ યોજાયેલી વિશાળ સભાઓમાં મહાનુભાવોએ આદિવાસી સમાજના અધિકારો અને ગૌરવ વિશે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

Banaskantha News: Grand World Tribal Day Celebrations in Danta, Ambaji and Hadad

સમાજની એકતા અને અસ્મિતાનો મજબૂત સંદેશ

દાંતા અને હડાદ ખાતે જોવા મળેલી આ અસાધારણ જનમેદનીએ આદિવાસી ગૌરવ, સંસ્કૃતિનું જતન અને અખંડ એકતાનો એક મજબૂત સંદેશ પાઠવ્યો હતો. આ ભવ્ય ઉજવણીથી સમગ્ર સરહદી પંથકમાં આદિવાસી સમુદાયમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.


આ પણ વાંચો - Gujarat Weather: ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી