હવામાન વિભાગે તા.9 થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે.આ દરમિયાન બનાસકાંઠા, વાવ-ધરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાશે.

ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

તા.10થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે.તા.15થી 17 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શકયતા નથી. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરાઇ છે.ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા તા.8 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે જાહેર કરાયેલા બુલેટિન મુજબ તા.15 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વરસાદ નોંધાયો નથી

અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને એક-બે હેલી અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.8 ઑગસ્ટે અમદાવાદનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું.છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વરસાદ નોંધાયો નથી. અમદાવાદમાં 1 જૂનથી 8 ઓગસ્ટ સુધી મોસમનો કુલ વરસાદ 554.9 મીમીનોંધાયો છે.જે સામાન્ય વરસાદ કરતાં 114.9 મિમી વધુ છે.હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર રાજ્યમાં બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. 

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખાસ કરીને થરાદ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને ઝાપટાં પડવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત