સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી પંજીની વાડી પાસે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટાંકીચોક નજીક પુરઝડપે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ કિનારે આવેલી એક કેબિનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયી હોનારત

ઘટનાની વિગત મુજબ, કાર ચાલક પંજીની વાડી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાડી પરથી કાબૂ છૂટી ગયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે રોડ સાઇડમાં આવેલી કેબિન સાથે ભયાનક રીતે અથડાઈ હતી. અકસ્માતના જોરદાર અવાજને કારણે આસપાસના વિસ્તારના લોકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

બનાવની જાણ થતાં જ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તમામ 3 ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. જ્યારે મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું!