યાત્રાધામ અંબાજી નજીક આવેલા દાંતાના વાલ્મિકી મહોલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પવિત્ર દિવાળીના તહેવારો વચ્ચે જ વિસ્તારમાં બીમારીનો ઉપદ્રવ વધતા સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
બાળકોમાં વધુ 2 નવા કેસ નોંધાયા
મહોલ્લામાં ડેન્ગ્યુનો કટોકટીભર્યો તબક્કો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બાળકોમાં ડેન્ગ્યુના વધુ 2 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસો ઉમેરાતા વિસ્તારમાં રોગચાળો વધુ વકરવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.
અગાઉ 6 થી 7 બાળકો અસરગ્રસ્ત થતા પાલનપુર ખસેડાયા
આ મહોલ્લામાં અગાઉ પણ 6 થી 7 જેટલા નાના બાળકો ડેન્ગ્યુની અસર હેઠળ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. બીમાર બાળકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
દવાના છંટકાવ છતાં નવા કેસ આવતા તંત્ર સામે સવાલો
સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં ફોગિંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હોવાના દાવા કરાયા છે. જોકે, આ તમામ કામગીરી બાદ પણ સતત નવા ડેન્ગ્યુના કેસો સામે આવતાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવાની માગ
વાલ્મિકી મહોલ્લામાં હજુ પણ અન્ય કેટલાક બાળકો અને ગ્રામજનો ડેન્ગ્યુની ઝપેટમાં હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ ગંભીર બને તે પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી ડોર-ટુ-ડોર સઘન સર્વે હાથ ધરવામાં આવે અને તમામ શંકાસ્પદ દર્દીઓની યોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવે તેવી જોરદાર માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Banaskantha News: પાલનપુરમાં મંત્રી પ્રવિણ માળીએ એસટી કર્મચારીઓ સાથે કરી દિવાળીની ઉજવણી