હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બનાસકાંઠા જિલ્લામાં સાચી ઠરી રહી છે. આજે યાત્રાધામ અંબાજીમાં એકવાર ફરી મેઘરાજાએ જોરદાર મહેર કરી છે. અંબાજી અને આસપાસના પંથકમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો
ધોધમાર વરસાદને કારણે અંબાજીના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા અનેક માર્ગો જળબંબાકાર બની ગયા હતા, જેની સીધી અસર વાહનવ્યવહાર પર પડી છે. સરકારી ST બસોની અવરજવર ખોરવાઈ ગઈ હતી, જ્યારે બહારથી આવેલા યાત્રિકોના ખાનગી વાહનો પણ અત્યંત ધીમી ગતિએ પસાર થવા મજબૂર બન્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં યાત્રિકો લાંબા સમય સુધી અટવાઈ પડ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતી સાથે વાહન હંકારવા ખાસ અપીલ કરવામાં આવી છે.
