સમગ્ર દેશમાં વરસાદનો એક રાઉન્ડ થયા બાદ જાણે ચોમાસુ ગાયબ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતા દેશના ખેડૂતોને ખેતીમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. દેશમાં સારો વરસાદ થાય તે માટે અનેક સ્થળો પર વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે પણ વરૂણ દેવની પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.અંબાજી ખાતે અષાઢી બીજના પાવન પર્વે વર્ષો જૂની પૌરાણિક પરંપરાને ભક્તિભાવપૂર્વક નિભાવવામાં આવી છે. 

વરૂણદેવનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજન

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર દિવસે ઐતિહાસિક માનસરોવર ખાતે વરૂણદેવનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.દર વર્ષે અષાઢી બીજના દિવસે આ પૌરાણિક પરંપરાને વૈદિક રીત-રિવાજ મુજબ નિભાવવાની પરંપરા છે.જે આ વર્ષે પણ ભક્તિમય માહોલમાં જાળવી રાખવામાં આવી હતી.આ ધાર્મિક ઉત્સવ દરમિયાન માતાજીના પ્રકૃતિ સ્વરૂપને ચુંદડી અને માંડવા સાથે પવિત્ર માનસરોવરના જળમાં પધરાવવામાં આવ્યું હતું. 

ભૂદેવોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા

અંબાજીમાં ભટ્ટજી મહારાજ અને વિદ્વાન ભૂદેવોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જળના દેવતા એવા વરૂણદેવની વિશેષ આરતી અને પૂજા-અર્ચના સંપન્ન થઈ હતી. ચોમાસાની શરૂઆતે પ્રકૃતિ પૂજનની આ પરંપરા જોવા માટે સ્થાનિક ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ વિશેષ વૈદિક વિધિના અંતે દેશભરમાં સારો વરસાદ થાય અને ધરતીપુત્રો ખુશહાલ બને તે માટે મા અંબા સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂતોની સમૃદ્ધિ, ઉત્તમ પાક તેમજ સમગ્ર રાષ્ટ્રમાં સુખ, શાંતિ અને આર્થિક વિકાસ વધે તેવા મંગલ આશીર્વાદ માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Gandhinagar News: મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું