ગુજરાત અને રાજસ્થાન સરહદને જોડતો અમીરગઢ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીની વધતી ફરિયાદોને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર હતી. આ દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટેશનના ઇકબાલગઢ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જમાદારોને એક શંકાસ્પદ ગેંગ મૂવમેન્ટ કરી રહી હોવાની ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી.


નાકાબંધી કરીને ઘેરો ઘાલવામાં આવ્યો

બાતમી મળતા જ ઈકબાલગઢ પોલીસની ટીમે હાઈવે અને આસપાસના ગ્રામ્ય માર્ગો પર વહેલી સવારથી જ કડક નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓપરેશન ગોઠવી દીધું હતું. બાતમી મુજબના ચોક્કસ વાહનો પસાર થતાં જ પોલીસે ફિલ્મી ઢબે ઘેરો ઘાલીને ૪ શંકાસ્પદ ઇસમોને અટકાવ્યા હતા. ગાડીઓની તલાશી લેતા તેમની પાસેથી વાહનોના કોઈ કાયદેસરના કાગળો મળ્યા નહોતા, વળી ગાડીઓમાંથી બિનકાયદેસર હથિયારો મળી આવતા પોલીસ સ્ટાફે તાત્કાલિક તમામ ૪ શખ્સોને કસ્ટડીમાં લઈ લીધા હતા.

મોટી ગેંગના નેટવર્કની ખુલશે પોલ

પોલીસ સ્ટેશન લાવી કડકાઈથી પૂછપરછ શરૂ કરાતા આરોપીઓએ પોપટની જેમ ગુનાની કબૂલાત કરી હતી. આ શાતિર ગેંગે અમીરગઢ, પાલનપુર અને આસપાસના આંતરરાજ્ય વિસ્તારોમાંથી ૫ જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ તમામ ચોરાયેલા વાહનો અને હથિયારો મળી ₹૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમીરગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર હોવાની આશંકા છે. આ ટોળકી અન્ય કયા-કયા રાજ્યોમાં ચોરીના વાહનો સસ્તા ભાવે પધરાવતી હતી અને આ રેકેટમાં સીએનજી કે અન્ય ગેંગ સામેલ છે કે કેમ, તે અંગે પૂછપરછનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: મહીધરપુરામાં બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં કર્યો ખેલ, 30.42 લાખનું સોનું-હીરા ચોરીને શખ્સ રફુચક્કર

  • Follow us on: