તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. ગાંધીનગર મનપા સહિત થરા અને ઓખા પાલિકાની પણ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો હતો. પરિણામો આવ્યા બાદ નિમણૂકો માટે ભાજપ દ્વારા સતત બેઠકો કરવામાં આવી રહી હતી. ત્યારે આજે થરા પાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા સહિતના પદો પર નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી ભાજપના મેન્ડેટના આધારે કરવામાં આવી છે.  

ભાજપના મેન્ડેટથી બંને હોદ્દા પર વરણી

આજે ડીસા પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગી માટે એક મહત્વપૂર્ણ ચૂંટણી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પક્ષના તમામ સભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.આ બેઠકમાં ભાજપના અધિકૃત મેન્ડેટ સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વના પદોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.જે અનુસાર થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિની ઠક્કરની અને ઉપપ્રમુખ તરીકે જશીબેન પટેલની પસંદગી કરાઈ હતી. 

24 બેઠકોમાંથી ભાજપને 19 બેઠકો મળી હતી

આ ઉપરાંત ધવલકુમાર ઝવેરીને કારોબારી ચેરમેન, વિક્રમસિંહ વાઘેલાને પક્ષના નેતા અને વિજયકુમાર ઠાકોરને દંડક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થરા નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 19 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી હતી. ભાજપે બહુમતીના આધારે સત્તા સંભાળીને તમામ હોદ્દાઓ પર નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરતાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચોઃ Bomb Threat : સાબરમતી જેલ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, મેઈલ મળતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં