ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી નાખતી એક ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદની અતિસંવેદનશીલ અને સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલ તેમજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની મુખ્ય વહીવટી વડી કચેરી એવી પાટણ કલેક્ટર કચેરી ને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેઈલ મળતા જ રાજ્યભરનું પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા પગલાંઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા.

બોમ્બ સ્ક્વોડ, LCB અને SOG દ્વારા સઘન તપાસ

ધમકી મળ્યા બાદ તરત જ સાબરમતી જેલ ખાતે બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દોડી ગઈ હતી અને જેલ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ પાટણ કલેક્ટર કચેરી ખાતે પણ LCB (સ્થાનિક ગુના નિવારણ શાખા), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને બોમ્બ સ્ક્વોડ ની ટીમો દ્વારા કચેરીના પ્રત્યેક વિભાગમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે અને સાવચેતીના પગલે કચેરીમાં હાજર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ખુલ્લામાં ખસેડવામાં આવ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો નુકસાન ટાળી શકાય.

કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

કલેક્ટર કચેરી અને જેલના ખૂણે-ખૂણે કલાકો સુધી ચાલેલી આ સઘન તપાસ દરમિયાન સદનસીબે કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી અને કચેરીના કર્મચારીઓને ફરીથી સુરક્ષિત રીતે અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન સફળ રહેતા વહીવટી તંત્ર અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જો કે, આ પ્રકારે ખોટી ધમકીઓ આપીને તંત્રને દોડતા કરનાર અજાણ્યા ઈમેલ મોકલનાર શખ્સને શોધી કાઢવા માટે સાયબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : SVP હોસ્પિટલમાં ગરીબોની યોજના સાથે ખેલ! PMJAY ના લાખોના સર્જિકલ સાધનો બારોબાર વેચી દેવાતા મચી ચકચાર