બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલી દાંતા સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સારવાર અર્થે આવેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટ વાળી સેલાઈન બોટલ ચઢાવી દેવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે. 

સમગ્ર શરીરે અચાનક સોજા આવી ગયા

આ ગંભીર બેદરકારીના કારણે મહિલા દર્દીની તબિયત વધુ લથડી હતી અને તેના સમગ્ર શરીરે અચાનક સોજા આવી ગયા હતા. મહિલાની સ્થિતિ બગડતા જ તેના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે હોસ્પિટલ પરિસરમાં જ તંત્ર સામે ભારે હોબાળો મચાવ્યો હતો. 

ડૉક્ટર અને નર્સની આ સ્પષ્ટ માનવીય ભૂલ 

આ ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. કે. કે. સિંહે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ એક એક્સપાયરી તારીખવાળી સેલાઈન બોટલ કોઈ કારણસર સ્ટોકમાં રહી ગઈ હતી. વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે પ્રાથમિક તપાસમાં ફરજ પર હાજર ડૉક્ટર અને નર્સની આ સ્પષ્ટ માનવીય ભૂલ છે.

દર્દીઓની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો 

દર્દીઓના જીવ સાથે રમત રમતી આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. પીડિત મહિલાના પરિવારજનોએ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર ડૉક્ટર અને નર્સ સહિતના સ્ટાફ સામે તાત્કાલિક કડક કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ જવાબદાર કર્મચારીઓ સામે કેવા પગલાં ભરે છે.

  

  આ પણ વાંચો  :   Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!