ભાભર-દિયોદર હાઇવે પર ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક ત્રિપલ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી વિગતો અનુસાર, જૂનાગઢની એક એમ્બ્યુલન્સના ચાલક બનાસકાંઠાના તડાવ ગામે એક અકસ્માતના દર્દીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સહીસલામત મૂકવા માટે આવ્યા હતા. દર્દીને તેના ઘરે મૂકીને એમ્બ્યુલન્સ ચાલક ગત રાત્રે પરત જૂનાગઢ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ભાભરના ખારા ગામની સીમ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સ, એક મારુતિ ઇકો ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે ભારે ધડાકા સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

ભાભર-દિયોદર હાઇવે પર ત્રિપલ અકસ્માત

અકસ્માત એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટક્કરના કારણે એમ્બ્યુલન્સ ગાડી રોડ પરથી નીચે ઉતરીને બાજુમાં આવેલી બાવળની ભારે ઝાડીઓમાં અંદર સુધી ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બંને ગાડીના ચાલકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ભાભર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ સ્ટેશનનો કાફલો હાઇવે પર દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢીને ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતકોના પરિજનોને જાણ કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: હાઇરાઇઝ બિલ્ડિંગો દ્વારા થતી પાણીચોરીનો મનપાએ કર્યો પર્દાફાશ, વોર્ડ નંબર 9 અને 11 માં કડક નોટિસ