રાજકોટ શહેરમાં પાણીના સમાન વિતરણને ખોરવતા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે. ખાસ કરીને પશ્ચિમ રાજકોટના પોશ ગણાતા વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 ના વિવિધ વિસ્તારોમાંથી મનપાના કંટ્રોલ રૂમમાં વ્યાપક ફરિયાદો મળી હતી કે, હાઇરાઇઝ બિલ્ડિંગોના કારણે સામાન્ય સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચતું નથી. આ બાબતની આંતરિક તપાસ કરતાં એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.
હાઇરાઇઝ બિલ્ડિંગો દ્વારા પાણી ચોરી
બહુમાળી બિલ્ડિંગોના કેટલાક આસામીઓ અને મેન્ટેનન્સ સંભાળતા શખ્સોએ મનપાના પાણીના મુખ્ય વાલ્વ ઓપરેટ કરવા માટે બજારમાંથી ગેરકાયદેસર રીતે લોખંડની ચાવીઓ (વ્હીલ લોક કી) બનાવી લીધી હતી. જ્યારે મનપાના લાઇનમેન જે-તે વિસ્તારનો વાલ્વ બંધ કરીને જાય, ત્યારે આ બિલ્ડિંગના લોકો પોતાની ગેરકાયદેસર ચાવીઓ વડે વાલ્વ ફરીથી ખોલી નાખતા હતા અને કલાકો સુધી પોતાની બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ સમ્પ (ટાંકા) માં પાણી ચોરીથી ભરી લેતા હતા. આ કરતૂતને કારણે આગળની સોસાયટીઓમાં પાણીનો એક ટીપો પણ પહોંચતો નહોતો.
