સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભરી બજારે કૌટુંબિક હિંસા અને હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાંબા સમયથી પોતાના પતિથી અલગ રહેતી મહિલા જ્યારે મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય રીતે રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે અચાનક જ તેનો પતિ પ્રવિણભાઈ અમરશીભાઈ ગોળકીયા પોતાની કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો. પ્રવિણે જાહેરમાં પોતાની પત્નીની એકદમ આગળ કાર આડી ઊભી રાખી દઈ તેનો રસ્તો રોકી લીધો હતો.

વરાછા વિસ્તારમાં ભરી બજારે હુમલાની ઘટના

ત્યારબાદ કારમાંથી ઉતરીને પતિ પ્રવિણ ગોળકીયા અને તેની સાથે હાજર તેની પ્રેમિકાએ મહિલા પર તૂટી પડ્યા હતા. આરોપી પતિએ જાહેરમાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના પત્નીને ગંદી ગાળો આપી હતી અને ઢીક-મુક્કીનો ભારે માર માર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ મહિલાને રસ્તા વચ્ચે જ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. આ સમગ્ર હુમલાની ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી.

ઉત્રાણ પોલીસે આરોપી પતિને જેલભેગો કર્યો

જાહેરમાં મહિલા પર થયેલા આ હુમલાની ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદ અને સચોટ સીસીટીવી ફૂટેજના પુરાવાઓના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પતિ પ્રવિણભાઈ અમરશીભાઈ ગોળકીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની સામે ગુનાહિત કાવતરું, હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી કરી છે. આ કેસમાં સંડોવાયેલી પ્રવિણની પ્રેમિકાની ભૂમિકા અંગે પણ પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Surat: તાપી નદીનું જળસ્તર સામાન્ય થયું, સિંગણપોર કોઝવેની સપાટી ઘટીને 6.05 મીટરે પહોંચી