દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા વરસાદી માહોલ પર આખરે બ્રેક વાગી છે. સુરત શહેર અને તાપી નદીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાના કારણે વહીવટી તંત્ર અને નદી કિનારે રહેતા લોકોએ મોટી રાહત અનુભવી છે. ઉકાઈ ડેમ અને અન્ય કેચમેન્ટ એરિયામાંથી પાણીની છોડવાની માત્રા ઓછી થતાં સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદીનું જળસ્તર હવે સંપૂર્ણપણે સામાન્ય થઈ ગયું છે.
તાપી નદીનું જળસ્તર હવે સંપૂર્ણપણે સામાન્ય
સુરતના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતા સિંગણપોર કોઝવે ખાતે પણ પાણીનું સ્તર ઘટીને 6.05 મીટર પર આવી પહોંચ્યું છે, જે અગાઉ ભયજનક સપાટીની નજીક વહી રહ્યું હતું. બીજી તરફ, મેઘરાજાએ વિરામ લેતાં જ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાંથી વાદળો હટી જતાં સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળી રહ્યા છે, જેના કારણે ગરમીનો પારો એકાએક વધી ગયો છે.
