બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના દામા ગામ નજીક પોલીસ વાન અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકોના ભારે ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.
ચાલુ ગાડીએ આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ વાનમાં એક આરોપીને બેસાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ચાલુ ગાડીએ જ ચાલાક આરોપીએ પોલીસને ચકમો આપીને નાસી છૂટવાનો અચાનક પ્રયાસ કર્યો હતો. આરોપીની આ અચાનક થયેલી હરકતના કારણે વાન ચલાવી રહેલા ડ્રાઇવરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છૂટી ગયું હતું.
ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી એસટી બસ સાથે ટકરાઈ વાન
ડ્રાઇવરનો કાબૂ છૂટતા જ બેકાબૂ બનેલી પોલીસ વાન રોડ પરનું ડિવાઈડર કૂદીને સીધી જ રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, વાનને નુકસાન પહોંચ્યું હતું.

સદનસીબે મોટી જાનહાનિ ટળી, ભાગનારો આરોપી ઝડપાયો
આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી નથી અને પ્રભુ કૃપાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. બીજી તરફ, અકસ્માતની આાંધાધૂંધી વચ્ચે પણ ફરજ પર રહેલી પોલીસે સતર્કતા દાખવીને ભાગવાનો પ્રયાસ કરનારા તે આરોપીને તુરંત જ ઝડપી લીધો હતો. આ ઘટનાને લઈને પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: Banaskantha News: અંબાજીના દાંતામાં ડેન્ગ્યુનો આતંક, વાલ્મિકી મહોલ્લામાં વધુ 2 કેસ નોંધાયા