ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) અને ગીર સફારી બાદ હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. બનાસકાંઠાના જૂના ડીસા ખાતે એશિયાના સર્વપ્રથમ ‘ડેઝર્ટ-થીમ’ આધારિત ઝૂઓલોજિકલ પાર્ક અને ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી બનાવવાની યોજનાને કેન્દ્રીય ઝૂ ઓથોરિટી (Central Zoo Authority) દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

બનાસકાંઠામાં બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ!

આ પ્રોજેક્ટ 103 હેક્ટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં રૂ. 542.14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તે એશિયાનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ બનશે. આ ઉપરાંત, રાત્રિના સમયે વન્યજીવોને નિહાળવા માટે બનાવવામાં આવનાર ‘ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી’ના કારણે તે વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનવાનો ઐતિહાસિક દરજ્જો પણ પ્રાપ્ત કરશે.

 વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ 

આ ભવ્ય ઝૂઓલોજિકલ પાર્કમાં દેશ અને વિદેશના વિવિધ પ્રાંતોમાંથી લાવવામાં આવનાર 83 જેટલી અલગ-અલગ પ્રજાતિના આશરે 2,700 જેટલા પશુ-પક્ષીઓને કુદરતી અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. નાઇટ સફારી અનુભવ માટે ખાસ ૫ વિશેષ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ સલામત રીતે રાત્રિના સમયે પ્રાણીઓની સહજ પ્રવૃત્તિઓ જોઈ શકશે.

સંરક્ષણ અને ઇકો-ટુરિઝમ

આ પાર્ક માત્ર પ્રવાસીઓ માટે મનોરંજનું કેન્દ્ર જ નહીં, પરંતુ રણપ્રદેશના દુર્લભ વન્યજીવોના સંરક્ષણ, પ્રજનન અને સંશોધન (Research & Conservation) માટેનું વૈશ્વિક હબ બનશે. આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતમાં સ્થાનિક રોજગારી, હોટેલ ઈન્ડસ્ટ્રી અને ઇકો-ટુરિઝમને અભૂતપૂર્વ વેગ મળશે.

આ પણ વાંચો: Surat: સચિન પોલીસે પિસ્ટલ અને 10 જીવતા કારતુસ સાથે મોહીત પાસવાનને દબોચ્યો