સુરત શહેરમાં ગેરકાયદેસર શસ્ત્રોની ઘૂસણખોરી અને ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સઘન ચેકિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે. આ દરમિયાન સચિન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે એક ઈસમ ગેરકાયદેસર રીતે પ્રાણઘાતક હથિયાર સાથે વિસ્તારમાં ફરી રહ્યો છે.
સુરતમાં ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપાયો
મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન પોલીસની ટીમે ઘેરાબંધી કરીને મોહીત હરકેશ પાસવાન નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. આરોપી મોહીત પાસવાનની અંગજડતી લેતાં તેની પાસેથી 1 નંગ દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસને વધુ ચોંકાવનારી બાબત એ જાણવા મળી હતી કે તેની પાસે પિસ્ટલ ઉપરાંત 10 નંગ જીવતા કારતુસ પણ હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી.
