સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક નગર ઇડર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે. ચોમાસાની ઋતુમાં પડેલા આ સારા વરસાદને કારણે સમગ્ર ઇડર પંથકનું વાતાવરણ એકાએક રોમાંચક અને આહલાદક બની ગયું છે.

ઇડર પંથકનું વાતાવરણ આહલાદક 

વરસાદની સાથે ફૂંકાયેલા ઠંડા પવનો અને ભેજને કારણે ઇડરના ઉત્તુંગ અને ઐતિહાસિક ડુંગરો વાદળો તેમજ ધુમ્મસની જાડી ચાદરમાં વિંટળાઈ ગયા છે. ડુંગરોની ટોચ પર વાદળો ઉતરી આવ્યા હોય અને વાદળ-ડુંગરો વચ્ચે સંતાકુકડી રમાતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં સમગ્ર વિસ્તાર હિલ સ્ટેશન જેવા મોહક વાતાવરણમાં ફેરવાઈ ગયો છે.

ગઢ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

ચોમાસામાં ઇડરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠતાં જ ઇડરિયો ગઢ પર્યટકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસથી ઘેરાયેલા પર્વતો અને આહલાદક વાતાવરણનો આનંદ માણવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ પાડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઇડરિયા ગઢની મુલાકાતે પહોંચી રહ્યા છે.ગઢ પર પહોંચેલા સૈલાનીઓ આ મનોહર અને કલ્પનાતીત દ્રશ્યોને પોતપોતાના કેમેરા અને મોબાઈલમાં કેદ કરી રહ્યા છે. ચોમાસાની આ મોસમમાં ઇડરિયા ગઢની પ્રાકૃતિક સુંદરતા ચરમસીમાએ પહોંચતાં ઇડર પંથકમાં પ્રવાસન પ્રવૃત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Banaskantha News: ડીસામાં બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ 'ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી' અને ઝૂ, CZA ની મંજૂરી