ગુજરાતના પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે 103 હેક્ટર વિસ્તારમાં રૂ. 542.14 કરોડના અંદાજિત ખર્ચે 'ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી' વિકસાવવામાં આવશે. આ ડ્રીમ પ્રોજેક્ટની ડિઝાઈનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અધિકૃત મંજૂરી મળી ગઈ છે.
એશિયાનું પ્રથમ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનશે
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ડીસા ખાતે બની રહેલું આ પ્રાણીસંગ્રહાલય એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ હશે. આ ઉપરાંત તે વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનવા જઈ રહ્યું છે. આ આધુનિક સંરક્ષણ સુવિધા મુલાકાતીઓ માટે વન્યજીવોનો અનોખો અનુભવ પૂરો પાડશે અને સાથે જ પ્રજનન, વન્યજીવ રેસ્ક્યૂ, પુનર્વસન તથા પર્યાવરણીય શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
83 પ્રજાતિઓના 2700 પ્રાણી-પક્ષીઓનું બનશે સરનામું, રાત્રિ સફારી મુખ્ય આકર્ષણ
આ ઝૂઓલોજિકલ પાર્કની મુખ્ય વિશેષતા તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં સૂર્યાસ્ત પછી મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરવામાં આવેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને નિહાળી શકશે. પ્રોજેક્ટમાં એક અલગ 'ડે ઝૂ' અને નાઇટ સફારી માટેના 5 સમર્પિત એન્ક્લોઝર હશે. અહીં કુલ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશી પશુ-પક્ષીઓને રાખવામાં આવશે.

ભારતીય, આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓનું અનોખું સંગમ
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડો. જયપાલ સિંઘના જણાવ્યા અનુસાર, આ પાર્કમાં વિવિધ પ્રદેશોના પ્રાણીઓ જોવા મળશે. જેમાં...
- ભારતીય પ્રાણીઓ: ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટીક સિંહ, દીપડા, શાહુડી, સસલું, શેળો, ડેઝર્ટ હેર, રીંછ, કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ અને ભારતીય રણ લોમડી.
- આફ્રિકન રણના પ્રાણીઓ: એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઓરિક્સ, આફ્રિકન કુડુ સ્પ્રિંગબોક, અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ, ફેનેક ફોક્સ, બેટ-ઇયર્ડ ફોક્સ અને શાહમૃગ.
- ઓસ્ટ્રેલિયન પ્રાણીઓ: કાંગારૂ, એમુ અને વોલાબી.
- અન્ય આકર્ષણો: રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ, એક્વેરિયમ, બટરફ્લાય પાર્ક, સરિસૃપ ઘર, અને સોવેનિયર શોપ.

ગ્રીન ટેકનોલોજી અને ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થા
ગાંધીનગર વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય અસરો ઘટાડવા માટે આ પ્રોજેક્ટમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ (વર્ષાજળ સંચય), સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલર એનર્જી, સ્થાનિક વનસ્પતિઓનું વાવેતર અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટને મળશે નવો વેગ
બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પોપટરાવ ગારડીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળોની સાથે ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ માટે ફ્લેગશિપ ડેસ્ટિનેશન બની રહેશે.
આ પણ વાંચો - Banaskantha News: વરસાદ ખેંચાતા સીપુ ડેમના તળિયા દેખાયા, ખેડૂતોએ નર્મદાના પાણીની માગ કરી