ગુજરાતમાં આ વખતે ચોમાસુ સારુ રહ્યું છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાઈ ગયાં છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભર ચોમાસે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે પણ વરસાદ ખૂબ ઓછો વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસુ વિતવા છતાં લોકો હજી કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. હાલમાં જિલ્લાનો મહત્વનો ગણાતો સીપુ ડેમ ખાલી ખમ જોવામળ્યો છે. ડેમના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ખેડૂતો અને પશુપાલકો વરસાદી પાણી પર નિર્ભર
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો અને પશુપાલકો વરસાદી પાણી પર નિર્ભર છે. દાંતિવાડા, ધરોઈ અને સીપુ ડેમમાં પાણીની સ્થિતિ સારી હોય તો આ જિલ્લામાં ખેતી સારી થાય છે. પરંતુ આ વખતે વરસાદ ઓછો થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો અને પશુપાલકોએ સરકાર પાસે સીપુ ડેમમાં નર્મદાના પાણી ઠાલવવાની માગ કરી છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણોથી વાવેતર કરી દીધું છે પણ વરસાદ નહીં થવાથી પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે. જો નર્મદાના પાણી મળે તો ખેતરનો પાક બચી શકે એમ છે.
