અમદાવાદ શહેરમાં સિક્યુરિટી એજન્સીના એક ગાર્ડ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. નાગરિકો અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટા પાયે સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બાદ સિકયુરિટી એજન્સીની તપાસ
https://twitter.com/sandeshnews/status/2087177703594324120
ખાનગી સિક્યુરિટી એજન્સીઓની ઓફિસો પર તપાસ
ઘટના સંદર્ભે SOG ના PI કે.ડી. ગોહિલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઝુંબેશ માટે 4 PI, PSI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સિક્યુરિટી એજન્સીઓની ઓફિસો પર સીધી પહોંચીને તેમના સરકારી રજિસ્ટ્રેશન, નિયમોનું પાલન, લાયસન્સ રિન્યુઅલ છે કે નહીં તથા ઓફિસના ભૌતિક સરનામા સાચાં છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
નિયમોનું પાલન ન કરતી એજન્સીઓ સામે કાર્યવાહી
SOG ની તપાસનો મુખ્ય ભાર સિક્યુરિટી ગાર્ડ્સના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચકાસવા પર છે. ખાસ કરીને બહારના રાજ્યો કે જિલ્લાઓમાંથી આવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા કર્મચારીઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે કે નહીં તેની કડક ચકાસણી કરાઈ રહી છે.
SOG ની સ્પષ્ટ ચેતવણી
SOG ની ટીમો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી ચકાસણી દરમિયાન ૩ સિક્યુરિટી એજન્સીઓ બંધ હોવાનું સામે આવ્યું છે. આ એજન્સીઓના લાયસન્સ સમયસર રિન્યુ ન થતાં તેમની ઓફિસો પણ ખાલી કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય મોટાભાગની તપાસાયેલી એજન્સીઓના લાયસન્સ વેલિડ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વેરિફિકેશન વગર કે નિયમોનો ભંગ કરીને ચાલતી એક પણ એજન્સીને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Ahmedabad: એનાલોગ પનીર મળતાં AMC એ HL ફ્રેન્કી સહિત 3 એકમો સીલ, દાણીલીમડામાં 5700 કિલો મેંદો નાશ કરાયો