અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાંથી પનીર અને ચીઝ જેવા પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે. તાજેતરમાં આરોગ્ય શાખા દ્વારા લેવાયેલા સેમ્પલના લેબોરેટરી પરીક્ષણ પરિણામો જાહેર થયા હતા.
AMC ની આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરી
આ રિપોર્ટમાં આઘાતજનક વિગતો સામે આવી હતી કે નવરંગપુરાના સી.જી. રોડ/એચ.એલ. કોલેજ રોડ પર આવેલા અતિ લોકપ્રિય 'HL ફ્રેન્કી', 'દિલ્હી પરાઠા' અને ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક આવેલા 'જય સોમનાથ ટી સ્ટોલ' ખાતે પીરસવામાં આવતું પનીર વાસ્તવમાં શુદ્ધ પનીર નહીં પરંતુ કેમિકલ અને વેજિટેબલ ફેટથી બનેલું 'એનાલોગ પનીર' હતું. રિપોર્ટ નેગેટિવ આવતાં જ AMC ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ ત્રણેય એકમોને વિધિવત રીતે સીલ કરી દીધા છે.બીજી તરફ, AMC ના ફૂડ અધિકારીઓની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલી 'એશિયન બેકરી' પર અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ બેકરી કોઈપણ જાતના ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ગેરકાયદેસર અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં ચલાવવામાં આવી રહી હતી.
