મહીસાગર જિલ્લામાં ચોમાસાની જમાવટ વચ્ચે સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ પડેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે. મહીસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકાની જીવાદોરી સમાન પાનમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે.

પાનમ નદીમાં પાણીની ભારે આવક 

ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો આવતાં જ પાનમ નદી બંને કાંઠે પૂર્ણ વહેણ સાથે વહેતી થઈ છે, જેના કારણે નદીનું રૌદ્ર અને નયનરમ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે.પાનમ નદી એ લુણાવાડા શહેર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાંથી જ લુણાવાડા શહેરના ખૂણે-ખૂણા સુધી પીવાનું પાણી વિતરિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જળસ્તર નીચું જવાથી ઉનાળા અને ચોમાસાના પ્રારંભે પાણીનું સંકટ ઊભું થવાની શક્યતા હતી, પરંતુ હવે પાનમ નદી બે કાંઠે વહેતી થતાં લુણાવાડા વાસીઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.

ખેડૂતો અને રહીશોમાં ઉત્સાહ

નદીમાં નવા નીર આવવાના સમાચાર મળતાં જ સ્થાનિક રહીશો અને ખેડૂતો નદી કિનારે નવા જળના વધામણાં કરવા પહોંચ્યા હતા. નદી સમૃદ્ધ થતાં આસપાસના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે, જેનાથી ખેતી અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જેને લઈને સમગ્ર લુણાવાડા અને મહીસાગર પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: સિંગણપોરમાં ઈમારતમાં લાગેલી આગમાં સ્થાનિકો બન્યા દેવદૂત, ફાયર પહોંચે તે પહેલાં ફસાયેલા 3 લોકોને ઉગાર્યા