સુરત શહેરના સિંગણપોર રોડ પર આવેલા નવા મહોલ્લા નજીક એક ઈમારતમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઈમારતના પહેલા માળે આવેલા એક પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જ માર્ગ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પતરાના શેડના કારણે આગે ઝડપથી રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બીજા માળે રહેતા લોકો ઉપર જ ફસાઈ ગયા હતા.

સિંગણપોર રોડ પર ઈમારતમાં અચાનક આગ

સુરતમાં અગાઉ બનેલી તક્ષશિલા જેવી આગની ઘટનાઓને ધ્યાને રાખીને સ્થાનિક યુવાનોએ સહેજ પણ સમય બગાડ્યા વગર ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ પોતે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિકોએ પોતાના જીવનું જોખમ ખેડીને ઈમારતના બીજા માળે ફસાયેલા ૩ જેટલા લોકોને સહીસલામત બહાર કાઢી લીધા હતા. આ સમગ્ર સાહસિક રેસ્ક્યૂનો લાઈવ વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે.

મસમોટા ગેરકાયદેસર પતરાના શેડ

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં મનપા અને ફાયર વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે સિંગણપોર, કતારગામ, ડભોલી અને મોટા વરાછા જેવા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોની આસપાસ મસમોટા ગેરકાયદેસર પતરાના શેડ અને ગોડાઉનો ધમધમી રહ્યા છે, જે કાયમ માટે માનવજિંદગી માટે મોટું જોખમ સાબિત થાય છે.

ગોડાઉન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું

ઘટના અંગે જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે પણ પ્રાથમિક તપાસ બાદ સ્વીકાર્યું હતું કે જે જગ્યાએ આગ લાગી હતી તે પતરાનો શેડ અને ગોડાઉન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું. આ ઘટના બાદ હવે તંત્ર દ્વારા સુરતમાં ધમધમતા આવા ગેરકાયદેસર પતરાના શેડ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Navsari: ખેરગામમાં દમણગંગા પાણી યોજનામાં સર્જાયું ભંગાણ, ટેસ્ટિંગ સમયે જ તૂટી પાઈપલાઈન