નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા અંતર્ગત આવતા વડપાડા ગામેથી પસાર થતી દમણગંગા પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. વડપાડા ચાર રસ્તા નજીક બનેલી આ ઘટનામાં પાઈપલાઈન ફાટતાં જ ધડાકાભેર પાણીનો પ્રવાહ બહાર ફેંકાયો હતો અને જોતજોતામાં આશરે 70 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા હવામાં ઊડવા લાગ્યા હતા.
પાણી પુરવઠાની પાઈપલાઈનમાં ભંગાણ
https://twitter.com/sandeshnews/status/2087144716370694383
દમણગંગા પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ
રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો આ ભયાનક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને થોડીવાર માટે ચાર રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દમણગંગા પાણી યોજના હજુ વિધિવત રીતે શરૂ કરવામાં આવી નથી. લાઈનમાં પાણી પુરવઠો નિયમિત ચાલુ થાય તે પહેલાં તંત્ર દ્વારા માત્ર ટ્રાયલ/ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગના તબક્કે જ પાઈપલાઈન ધડાકા સાથે તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.
રહેણાંક મકાનને નુકસાન પહોંચ્યું
પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે નજીકમાં જ આવેલા એક રહેણાંક મકાન પર પાણી અને કાંકરીનો મારો થતાં મકાનને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાઈપલાઈનનો મુખ્ય વાલ્વ બંધ કરી સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.
આ પણ વાંચો: Kutch: અંજારના શેખ ટિંબોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોના 5 મકાનો તોડી પડાયા