બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધાનેરા તાલુકા પંચાયતના જૂના અને જર્જરિત ક્વાર્ટર્સમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની છે. આ ક્વાર્ટર્સ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતા અને તેની હાલત જર્જરિત હતી. બંધ મકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.
તાલુકા પંચાયતના જૂના કાગળો બળી ગયાની ચર્ચા
આગની આ ઘટનામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને ચર્ચાસ્પદ બાબત એ છે કે, આ બંધ મકાનની અંદર તાલુકા પંચાયતના જૂના કાગળો અને રેકોર્ડ્સ પડેલા હતા. આગ લાગવાને કારણે આ તમામ જૂના સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સરકારી રેકોર્ડને નુકસાન પહોંચ્યું હોવાથી સ્થાનિક સ્તરે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ક્વાર્ટર્સમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ધાનેરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ પાણીના બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ
બંધ અને જર્જરિત મકાનમાં અચાનક આગ કઈ રીતે લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે પછી અન્ય કોઈ કારણસર, તે તપાસનો વિષય છે. જોકે, સરકારી કાગળો બળી ગયા હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Banaskanthaમાં આધેડના અપહરણ અને માર મારવાના મામલામાં પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ