બનાસકાંઠા જિલ્લામાં ખાદ્યચીજોમાં થઈ રહેલી ભેળસેળ સામે ફૂડ વિભાગ દ્વારા અગાઉ હાથ ધરવામાં આવેલી ચકાસણી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર અને દાંતા વિસ્તારમાંથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂનાઓ (સેમ્પલ) લેબોરેટરી તપાસમાં ફેલ સાબિત થયા હતા. આ બાબતે નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કસૂરવાર ઠરેલા 4 વેપારીઓ વિરુદ્ધ કુલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ડીસાની અમર ઇન્ડસ્ટ્રીઝને રૂ. 5 લાખનો દંડ

ફૂડ વિભાગ દ્વારા અગાઉ ડીસા સ્થિત મેસર્સ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી મસ્ટર્ડ ઓઈલ (રાઈનું તેલ)નું સેમ્પલ લેવામાં આવ્યું હતું. લેબ રિપોર્ટમાં આ તેલનું સેમ્પલ ફેલ થતાં કોર્ટ દ્વારા આ પેઢી સામે કડક પગલાં લેવામાં આવ્યા છે અને રૂ. 5 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલનપુરની શ્યામ ડેરીને કુલ રૂ. 5 લાખનો દંડ

પાલનપુરના જગાણા જૈન દેરાસર પાછળ આવેલી મેસર્સ શ્યામ ડેરીમાંથી પણ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ પેઢીમાંથી લેવાયેલ 'સુખ પ્રીમિયમ કાઉ ઘી'નું સેમ્પલ ફેલ થવા પર રૂ. 2.50 લાખનો દંડ તથા તે જ પેઢીમાંથી લેવાયેલા લૂઝ ઘીનું સેમ્પલ પણ ફેલ થતાં વધુ રૂ. 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, આ એક જ પેઢીને કુલ રૂ. 5 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

Banaskantha News Food department crackdown on Amar Industries to Shyam Dairy fine of Rs 11 lakh

દાંતાની ચારભુજા આઈસ્ક્રીમને રૂ. 1 લાખનો દંડ

દાંતા ખાતે આવેલી મેસર્સ શ્રી ચારભુજા આઈસ્ક્રીમ એન્ડ ડેરી પાર્લરમાંથી ફૂડ વિભાગે 'રાજભોગ શ્રીખંડ'નું સેમ્પલ લીધું હતું. ગુણવત્તાના ધોરણોમાં આ સેમ્પલ પણ નિષ્ફળ નીવડતા કોર્ટે આ પેઢીને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ

બનાસકાંઠા જિલ્લાની અલગ-અલગ ચાર પેઢીઓમાંથી લેવાયેલા સેમ્પલ ફેલ થવાના કેસમાં કુલ રૂ. 11 લાખનો દંડ ફટકારવામાં આવતા બનાસકાંઠા પંથકના અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ચેતવણીનો સંદેશ ગયો છે.


આ પણ વાંચો: Banaskanthaના સહકારી ક્ષેત્રમાં આવ્યો રાજકીય ગરમાવો: બનાસ બેંકની ચૂંટણીનો કાર્યક્રમ કરાયો જાહેર