બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગની ટીમે જિલ્લાના હાઇવે પર આવેલી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ પર અચાનક દરોડા કરીને સઘન સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જે કારણે વેપારીઓને અખાદ્ય જથ્થો સગેવગે કરવાની તક પણ મળી ન હતી.
15 એકમોમાં ચેકિંગ, અખાદ્ય જથ્થાનો નાશ
ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન કુલ 15 જેટલા ખાણીપીણીના એકમો પર તપાસ કરવામાં આવી હતી. તપાસ વેળાએ આરોગ્ય માટે હાનિકારક એવા 15 કિલો અખાદ્ય ખોરાક અને 10 લીટર વધારે વપરાયેલું તેલ મળી આવતાં તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

વડગામ અને છાપીમાં બે હોટેલના લાઇસન્સ સસ્પેન્ડ
તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડતાં ફૂડ વિભાગે કડક સજાત્મક પગલાં લીધા છે. વડગામ અને છાપી વિસ્તારમાં આવેલી 2 જાણીતી હોટેલોના ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ખળભળાટ
ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા અસ્વચ્છતા અને નિકૃષ્ટ ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ અટકાવવા માટે ફૂડ વિભાગે આ આકરી કાર્યવાહી કરીને ખાણીપીણી સાથે જોડાયેલા વેપારીઓમાં ધાક બેસાડી છે. તંત્રની આ સરપ્રાઇઝ કામગીરીને પગલે જિલ્લાના અન્ય હોટેલ માલિકો અને લારી સંચાલકોમાં ભારે ફાળ પડી છે.
આ પણ વાંચો - Sabarkantha: બાળ તસ્કરી કેસમાં ઈકો ચાલક બિપિન ઠાકોર બુટલેગર નીકળ્યો, 7 આરોપીના રિમાન્ડ મંજૂર