સાબરકાંઠા જિલ્લા પોલીસે પકડેલા બાળ તસ્કરી કેસમાં તાર હવે બનાસકાંઠાના અસામાજિક તત્વો સાથે જોડાઈ રહ્યા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો ગાડીના માલિક અને ચાલક બિપિન સોમાજી ઠાકોરની ધરપકડ કરી તપાસ હાથ ધરતાં તે બનાસકાંઠા જિલ્લાનો ચોપડે નોંધાયેલો બુટલેગર હોવાનું સામે આવ્યું છે.
બાળ તસ્કરી માટે વપરાયેલી ઈકો ગાડીનો માલિક પ્રોહિબિશનનો ગુનેગાર
આરોપી બિપિન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીનો રહેવાસી છે. તે અંબાજી અને સરહદી હડાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો અને તેની સામે ભૂતકાળમાં બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા પોલીસે આ સંવેદનશીલ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઈકો ચાલક બિપિન ઠાકોર સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી લીધી છે. કોર્ટમાં રજૂ કરી પોલીસે તમામ આરોપીઓના કસ્ટોડિયલ રિમાન્ડ મેળવ્યા છે.
