વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલના રૂમમાંથી મળી આવેલા યુવકના શંકાસ્પદ મૃતદેહ મામલે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શરૂઆતના તબક્કે હોટેલમાં લાઈટ જતી રહી હોવાથી મૃતક યુવક બાથરૂમમાં લપસી પડ્યો હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

હોટેલના રૂમમાં 3 યુવકોની હાજરીથી રહસ્ય ઘેરાયું

જોકે, પોલીસે હોટેલના સીસીટીવી ફુટેજ, કોલ ડિટેલ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ લંબાવતાં સામે આવ્યું હતું કે ઘટના સમયે રૂમમાં બે નહીં પરંતુ ત્રણ સમલૈંગિક (ગે) યુવકો હાજર હતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મૃતક યુવકે પોતે જ ફોન કરીને ત્રીજા યુવકની હોટેલના રૂમમાં બોલાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાવપુરા પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. યુવકના રહસ્યમય મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે તાત્કાલિક પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક

મૃતક અથવા તેના સાથી યુવકે કોઈ નશાકારક પદાર્થ, વિષયુક્ત દવા કે અન્ય કોઈ પીણું લીધું છે કે નહીં તે એફએસએલ (FSL) ના વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને મૃતદેહના વિસેરા સુરક્ષિત રાખી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાથી તબીબો દ્વારા 'કોઝ ઓફ ડેથ' પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. રાવપુરા પોલીસે અન્ય બે સાથી યુવકોની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Jamnagar: લાલપુર તાલુકામાં લક્ઝરી બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, કાર સવારનું કમકામાટીભર્યું મોત