જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાંથી પસાર થતાં માર્ગ પર સણોસરી ગામના પાટીયા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર અને બસ વચ્ચે સણોસરીના પાટીયા પાસે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂંડો બોલી ગયો હતો અને કારમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

જામનગરના લાલપુરમાં ગમખ્વાર અકસ્માત

ધડાકો સાંભળીને સણોસરી ગામના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મૃતકને બહાર કાઢવા માટે ભારે જહમત ઉઠાવી મદદ કરી હતી.બનાવ અંગેની જાણ લાલપુર પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી હતી.

અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત

લાલપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે લાલપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા તેમજ તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટેની કામગીરી હાથ ધરી છે. બસ ચાલક અને અકસ્માતના કારણો અંગે ગુનો નોંધી લાલપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Botad: પ્રવાસે આવેલા તલોદના 35થી વધુ મનોદિવ્યાંગ બાળકોની તબિયત બગડી, સારવાર બાદ રજા અપાઈ