સાબરકાંઠા જિલ્લાના તલોદથી 2 બસોમાં 90 જેટલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ શૈક્ષણિક યાત્રાધામ પ્રવાસે નીકળ્યા હતા. આ પ્રવાસ સોમનાથ દર્શન કરી ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે સાળંગપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે બોટાદ પહોંચતાં જ અચાનક 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા, ઉલટી, તાવ અને શરદી જેવા ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા.
તલોદથી પ્રવાસે નીકળેલા મનોદિવ્યાંગ બાળકોની તબિયત લથડી
એકસાથે મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોની તબિયત લથડતાં પ્રવાસના આયોજકો અને સ્થાનિક તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. આરોગ્ય વિભાગની પ્રાથમિક માહિતી મુજબ બાળકોને ફૂડ પોઈઝનિંગ અથવા વાયરલ ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ રીક્ષા એસોસિએશન આગળ આવ્યું હતું. રીક્ષા ચાલકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને તમામ બીમાર મનોદિવ્યાંગ બાળકોને પોતાની રીક્ષાઓમાં બેસાડીને કોઈ પણ ભાડું લીધા વિના નિઃશુલ્ક સોનાવાલા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
