આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,અંબાજીના નાણાકીય ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ.મોદનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ ઉપાધ્યાયને કોર્ટ દ્વારા સાત-સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.કોર્ટે આ ચુકાદો આપતા બંને દોષિતોને કેદ ઉપરાંત પ્રત્યેકને રૂ.5000નો દંડ પણ ફટકાર્યો છે.  

હિસાબોમાં ગંભીર નાણાકીય અનિયમિતતા જણાઈ હતી

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સને 2008-09ના નાણાકીય વર્ષના હિસાબોનું ઓડિટ દેવસ્થાન ટ્રસ્ટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિર્ક એચ.પી.સિંઘ એન્ડ કંપની અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઓડિટ દરમિયાન કોલેજમાં ચાલતા ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર નાણાકીય અનિયમિતતા જણાઈ હતી.ત્યારબાદ કોલેજના હિસાબોની પુનઃચકાસણી કરાતાં નાણાકીય ગેરરીતિની વિગતો સામે આવી હતી.જેમાં અભ્યાસ કેન્દ્રના કમ્પ્યુટર વપરાશનાં નાણાં દેવસ્થાન ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવાના બદલે પ્રિન્સિપાલ અંબાજી આર્ટ્સ કોલેજ, કુંભારિયા ખાતેના નામે ખોલાવવામાં આવેલા ખાતામાં જુદા-જુદા ચેક દ્વારા કુલ રૂ.6,72,424 જમા કરાવવામાં આવ્યા હતા.

આધાર પુરાવાઓ સાથે સચોટ રજૂઆતો કરી

તપાસમાં બહાર આવ્યું હતું કે તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ.મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયે આ રકમ ઉપાડી અંગત ઉપયોગમાં લઈ નાણાંની ઉચાપત આચરી હતી.આ મામલે તત્કાલીન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વી.કે.વૈષ્ણવે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના અનુસંધાને બનાસકાંઠા પાલનપુરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.આ કેસોમાં સરકારી વકીલ અને દેવસ્થાન ટ્રસ્ટના પેનલ વકીલે સુનાવણી દરમિયાન સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને આધાર પુરાવાઓ સાથે સચોટ રજૂઆતો કરી હતી.  

પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે આખરી ચુકાદો સંભળાવ્યો

વર્ષ 2008-09થી ચાલતા આ કેસમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા અને પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે આખરી ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયને દોષિત ઠરાવ્યા હતા.કોર્ટે ફોજદારી કાર્યવાહી હેઠળ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબના ગુનાઓ બદલ બંને દોષિતોને સાત વર્ષની કેદની સજા અને પ્રત્યેકને 5000નો દંડ ફટકાર્યો છે.જો દંડની રકમ ભરવામાં ન આવે તો બંનેને વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ