અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા છે. NCBની ટીમે આરોપી હર્ષિલ પરીખને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, જેને ધ્યાને લઈને કોર્ટે હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન NCBના અધિકારીઓ દ્વારા આરોપીની ઝીણવટભરી અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
ફેક્ટરી બનાવવા અને કેમિકલ મેળવી આપ્યાનો ગંભીર આક્ષેપ
મળતી વિગતો મુજબ, ઝડપાયેલો આરોપી હર્ષિલ પરીખ કેમિકલ એન્જિનિયર છે અને હાલમાં કેમિકલ વિષયમાં PhD નો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ છે કે હર્ષિલે ફેક્ટરી બનાવવા માટે મુદ્દસરને મદદ કરી હતી. એટલું જ નહીં, તેણે જરૂરી તમામ કેમિકલ અને મટિરિયલ પણ મેળવી આપ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
