બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા પગાર ન મળવા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વાવ અને થરાદ વિસ્તારના આ સિક્યુરિટી ગાર્ડ્સ ગુજરાત ટુરિઝમ અંતર્ગત નડાબેટ ખાતે સુરક્ષાની જવાબદારી સંભાળે છે. છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ગાર્ડ્સે હવે ન્યાય માટે વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે.

છેલ્લા 3 મહિનાથી પગાર ન મળ્યાનો ગંભીર આક્ષેપ

કરાર આધારિત ફરજ બજાવતા 40થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સે એકઠા થઈને સુઈગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગાર્ડ્સનો આક્ષેપ છે કે, તેમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર ન મળવાને કારણે તેમના પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેને પગલે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લઘુત્તમ વેતન અને બાકી નાણાં તાત્કાલિક ચૂકવવા માગ

આવેદનપત્રમાં સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા સરકારના નિયમ મુજબ લઘુત્તમ વેતન આપવાની અને છેલ્લા ત્રણ મહિનાની બાકી નીકળતી પગારની રકમ તાત્કાલિક ધોરણે ખાતામાં જમા કરાવવાની માગ કરવામાં આવી છે. ગાર્ડ્સે જણાવ્યું હતું કે, દિવસ-રાત સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા છતાં તેમની મહેનતના પૈસા સમયસર આપવામાં આવી રહ્યા નથી.

પ્રાંત અધિકારીને રજૂઆત, ઉગ્ર આંદોલનની ચીમકી

મામલતદાર ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારીને પણ રૂબરૂ મળીને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. ગાર્ડ્સની ઉગ્ર માગ છે કે, વહેલી તકે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે. જો આગામી દિવસોમાં તેમનો બાકી પગાર ચૂકવવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શકે છે.


આ પણ વાંચો - Banaskantha News: ધાનેરા તાલુકા પંચાયતના વર્ષોથી બંધ જર્જરિત ક્વાર્ટર્સમાં ભભૂકી આગ