બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ નજીક હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ હાઇવે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેનની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ચાલકે ક્રેન પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.
10થી વધુ વાહનોનો કચ્ચરઘાણ અને સદનસીબે જાનહાની ટળી
બ્રેક ફેલ થયેલી અનિયંત્રિત ક્રેને રસ્તા પર ટ્રાફિક જામમાં ઉભેલા 10 થી વધુ વાહનોને એકસાથે અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરમાં ટેમ્પો ટ્રાવેલર, અનેક કારો તેમજ એક રીક્ષા સહિતના વાહનોનો ભારે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનોમાં સવાર કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આટલો મોટો અકસ્માત સર્જાવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.


